નિર્ભયા કાંડ : દંભ નહિ જવાબદારી ની અપેક્ષા
- વિજય ઠાકર
નિર્ભયા કેસ માં
સજા પામેલા બળાત્કારી મુકેશ સિંઘ નો ઈન્ટરવ્યું બી બી સી ની પત્રકાર લેસ્લી ઉડ્વીને લીધો એ વાત
બહાર આવતાની સાથે ફરી એકવાર લોકમાનસ પર એકવાર એ ગોઝારી ઘટનાનો ઓછાયો ઉતરી આવ્યો. આ
ઘટના કયા ચોઘડિયામાં બની હશે એ ખબર નહી બે વર્ષમાં ફરી ફરી ને એ જીવંત થતી રહી છે.
દિલ્હી ની એ બસ માં છ રાક્ષસોમાં નો એક રાક્ષસ સગીર હતો એના બચાવ ની ખોખલી દલીલો
હોય, ધર્મ ગુરુઓ ના બેહુદા નિવેદનો હોય કે નેતાઓ નો બેફામ બફાટ, દરેક વખતે સમાજમાં પ્રવર્તતો એક પ્રકાર નો દંભ
સામે આવતો રહ્યો છે.
ભારત સરકારે તાત્કાલિક પગલા લઈને આ દસ્તાવેજી
ચિત્ર ને સોશ્યલ મિડિયા અને ઇલેક્ટ્રોનિક
મિડિયામાં બતાવવા પર રોક લગાવી છે. અને પ્રિન્ટ મિડિયા પણ આ ડોક્યુમેન્ટ્રી ની
વિગતો ન્યુઝપેપર માં ન છાપે એવો આદેશ આપી દીધો છે. જો કે બી બી સી એ તો આ ડોક્યુમેન્ટ્રી નું જીવંત
પ્રસારણ કરી દીધું. પરંતુ આ પ્રશ્ન ડોક્યુમેન્ટ્રી ના પ્રસારણ ની રોક લગાવવા પુરતો
છે કે બીજા પ્રશ્નો પણ મ્હોં ફાડીને આપણી સામે ઉભા થયા છે. ? વિચાર કરવો પડશે !
જયારે પણ આવી ઘટનાઓ બને છે કે ત્યારે સ્ત્રીઓના
પોશાકથી લઇ ને એમણે ઘરની બહાર ક્યારે અને કોની સાથે નિકળવું એવી ચર્ચાઓ શરુ થઇ જાય
છે. આવી ચર્ચાઓ કરવા વાળા સામાન્ય લોકો નથી હોતા, જેમના પર દેશ અને સમાજ ને
માર્ગદર્શન આપવાની જવાબદારી છે એવા લોકો બેજવાબદાર બની ને નિવેદનો આપતા રહે છે જે
ખરેખર ચિંતા જન્માવે છે.
કોઈ એ કહ્યું કે નિર્ભયાએ પેલા આતતાયીઓ જયારે
બળાત્કાર કરી રહ્યા હતા ત્યારે રાખડી બાંધી દીધી હોત તો એ લોકો એને છોડી દેત , એક રાજકારણીએ જાહેરસભામાં કહ્યું કે બાળકો આવી ભૂલ કરી બેસે તો એને માફ
કરી દેવા જોઈએ આટલી વાત માં ફાંસી ની સજા યોગ્ય ના કહેવાય ! આપણા સમાજ ની નિર્બળતા
તો એ છે કે એ નેતા જાહેરસભા માંથી સુખરૂપ બહાર આવી ગયા. કોઈપણ જગ્યાએ બળાત્કાર ની
ઘટના બને એ સાથે જ મહિલાઓ ના કપડા પર આઠ-દસ જગ્યાએ થી નિવેદનો આવી જાય છે. કેવી
કુંઠિત માનસિકતા આપણી થઇ ગઈ છે ? મહિલાઓ એ જીન્સ અને ટોપ નહિ પહેરવા જોઇએ એવી
દલીલો સંસ્કૃતિ ને નામે કરવા વાળા લોકો ને લક્ષ્મણ અને અર્જુન ની સ્ત્રી સન્માન ની
વાતો યાદ નથી આવતી, સીતામાતા ના હાર ને લક્ષમણે નહિ ઓળખ્યો પરંતુ એમના ઝાંઝર ને
ઓળખી ગયો કેમ કે એની દ્ષ્ટી સીતામાતા ના પગ થી ઉપર ઉઠી જ નહોતી. ઉર્વશી જેવી
અપ્સરા ના પ્રેમ નું નિમંત્રણ અર્જુને માત્ર એટલા માટે ઠુકરાવ્યું કેમ કે ઉર્વશી
અને અર્જુન ના પૂર્વજ પુરુરવા વચ્ચે પ્રેમ સંબંધ હતો. છત્રપતિ શિવાજી અને સ્વામી વિવેકાનંદે મહિલાઓ ને જોવાની આપેલી
દૃષ્ટિ પુરુષો એ પાળવાની મર્યાદાઓ નો સ્પષ્ટ સંકેત છે. અપરાધ પુરુષ કરે છે અને
આપણે પાબંદીઓ સ્ત્રીઓ પર નાખીએ છીએ આવું કેમ ?
નિર્ભયા કેસ માં છ આરોપીઓ છે જેમણે આ જઘન્ય કાંડ
ને અંજામ આપ્યો હતો. રામસિંગ જેનું મૃત્યુ થોડા મહિનાઓ પહેલા પોલીસ કસ્ટડીમાં
થયું, બીજો મુકેશ સિંઘ જેનો ઈન્ટરવ્યું લંડનની લેસ્લી ઉડ્વીને લીધો છે, વિનય
શર્મા, પવન ગુપ્તા, અક્ષય ઠાકુર અને એક સગીર આરોપી જેનું નામ ક્યાય જાહેરમાં નથી
બોલાતું., નથી લખાતું. જે મહિલા બળાત્કારનો ભોગ બની હોય એની ઓળખ છુપી રહે એટલે
એનું નામ કે ફોટો ક્યાય પ્રસિદ્ધ ન કરવો
એવો નિયમ છે પરંતુ જુવેનાઇલ (સગીર) આરોપીનું નામ છુપું રાખવું એવો કોઈ નિયમ
કે કાયદો મારા ધ્યાનમાં તો નથી જ. ગુનેગાર તો ગુનેગાર છે એની જાતી કે ધર્મ જોવાની
મૂર્ખતા પણ આપણે કરી રહ્યા છીએ ? જુવેનાઇલ કાયદો પણ પાંગળો છે. બળાત્કારી કૃત્ય
સ્વયં એક પુખ્ત વ્યક્તિ હોવાનો પુરાવો છે આવા ગુના માટે જુવેનાઇલ કાયદાનો ફાયદો
આપવાની શી જરૂર ? કાયદા નું અક્ષરશ: પાલન સભ્ય સમાજ નો શિરસ્તો બને એ અપેક્ષા છે
પરંતુ જઘન્ય ગુનાઓ આચરતા આવા લોકો માટે કાયદાનું અક્ષરશ: અર્થઘટન કરી એણે કરેલા
ગુનાની સામે નગણ્ય સજા કરાય એ તો અપેક્ષિત નથી જ.
નિર્ભયા આપણા સમાજ ને કલુષિત કરતો પહેલો કિસ્સો
નથી અને છેલ્લો પણ નથી. સ્ત્રીઓ પર અત્યાચાર એ સમાજની વરવી વાસ્તવિકતા છે એનો ઉપાય
સમાજે જેમ બને તેમ વહેલો કરવો જ રહ્યો. આવા અધમ અપરાધ માટે કાયદો કડક માં કડક સજા
કરે ત્યારે માનવાધિકારીઓ એ ચુપ રહેવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની એક સલાહ નું
પાલન દરેક માં બાપે કરવું જોઈએ પોતાની દીકરી બહાર થી આવે ત્યારે સ્વાભાવિક રીતે
ક્યાં ગઈ હતી એવો પ્રશ્ન પૂછતા રહેવું પણ મોડી રાત સુધી બહાર ફરતા પોતાનો દીકરો
ક્યાં ફરી રહ્યો છે અને શું કરી રહ્યો છે એ પૂછવાની પણ ટેવ પાડવી પડશે.
No comments:
Post a Comment