Thursday, October 31, 2013


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરદાર

-    વિજય ઠાકર
 
મારા ફેસબુક મેસેજ માં સરદાર પટેલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના દ્વિતીય સરસંઘચાલક ગુરુજી પર લખેલા કથિત પત્ર નો કેટલોક ભાગ મારા એક મિત્ર જે બામસેફ ના કાર્યકર્તા છે એમણે મોકલ્યો . જેમાં સરદારે ગુરુજી ને લખ્યું હતું  કે હિંદુઓ નું સંગઠન કરવું સારી વાત છે પરંતુ એમાંથી જન્મેલા ઉન્માદ ને કારણે જ ગાંધીજી ની  હત્યા થઇ હતી. આ પત્ર મોકલવાનો એ મિત્ર નો હેતુ બહુ સ્પષ્ટ હતો. એ સ્પષ્ટ નિર્દેશ કરવા માંગતો હતો કે સરદાર સંઘ ની વિરુદ્ધ હતા. સરદાર અને સંઘ વચ્ચે સામ્યતા હતી કે વિચારો ની પહોળી ખાઈ એની ચર્ચા આજકાલ બહુ થઇ રહી છે. કારણ પણ છે ! દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા નું ખાત મુર્હત ૩૧મી ઓકટો. ૨૦૧૩ ના રોજ થયું છે. એ પ્રતિમા સરદાર પટેલ ની છે અને એ પ્રતિમા બનાવવાનો સંકલ્પ આર.એસ.એસ. ના પ્રચારક રહી ચુકેલા અને સ્વયંસેવક એવા નરેન્દ્ર મોદીએ કર્યો છે.

સૌથી પહેલા તો એ સ્પષ્ટ થવું જોઈએ કે સરદાર ને સંઘ સાથે કોઈ સંબંધ નહોતો. સરદાર કોંગ્રેસ ના કાર્યકર્તા હતા અને દેશ ના સર્વોચ્ય નેતા હતા. આઝાદી ના આંદોલન થી લઇ ને સ્વતંત્રતા બાદ ના સમય ના સર્વાધિક લોકપ્રિય નેતા સરદાર હતા. સરદાર ની દીર્ઘ દ્રષ્ટિ , લોખંડી મનોબળ,  અને વિચારોની સ્પષ્ટતા તે સમય ના અનેક નેતાઓ થી એમને અલગ તારવતી હતી. સાથે સાથે એ વાત પણ સ્પષ્ટ થવી જોઈએ કે સરદાર અને નહેરુ ની વચ્ચે ઘણીબધી વાતો માં મતભેદ પણ હતા. સરદાર ના મૌલાના સાથે પણ મતભેદ હતા અને સરદાર ના સુભાષ સાથે પણ મતભેદ હતા. ગાંધીજી ના દરેક શબ્દ ને અનુસરનાર સરદાર ગાંધીજી ના બધાજ વિચારો સાથે સહમત હતા એવું પણ માની લેવાની જરૂર નથી, અને એટલે સરદાર ને સંઘ સાથે, સંઘ ની કાર્ય પદ્ધતિ સાથે કે સંઘ ના વિચાર સાથે કોઈ નાની મોટી બાબતે મતભેદ હોય તો હોય પણ ખરા ?  જિન્હા ના ડાયરેક્ટ એક્શન, ભારત ના ભાગલા, ધર્મના આધારે વસ્તી ની હેરફેર, કાશ્મીર સમસ્યા, હૈદરાબાદ અને જુનાગઢના મુસ્લિમ શાસકો સામે ની મક્કમતા.. વગેરે બાબતો ને કારણે સરદાર ના વિરોધીઓ સરદારને મુસ્લિમ વિરોધી હોવાનો ટોણો મારતા. સંઘ ના નસીબ માં પણ એની સ્થાપના થી આવા ટોણા સાંભળવાનું  આવ્યું છે.

સરદારે ક્યારેય સંઘ ની દેશભકિત પર સવાલ નથી કર્યો.  સંઘ ના દ્વિતીય સરસંઘચાલક ગુરુજી ને સરદારે ૧૧ સપ્ટે. ૧૯૪૮ ના દિવસે એક પત્ર લખ્યો હતો જેમાં સંઘ ની પ્રસંશા કરતા એમણે લખ્યું હતું કે સંકટ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હિંદુ સમાજ ની સેવા કરી છે બાળકો અને સ્ત્રીઓ ની રક્ષા કરી છે .. આવા પ્રસંશા ના શબ્દો લખ્યા પછી એમણે આવાહન કર્યું કે સંઘના લોકો કોંગ્રેસ માં ભળી ને પોતાનો દેશ પ્રેમ સફળ કરી શકશે. સરદારે સંઘ ને કોંગ્રેસ માં ભળી જવાનું કહ્યું એમાં પણ એમનો અહંકાર નહોતો. જીવન પર્યંત એમણે કોંગ્રેસ ને એક રાષ્ટ્રીય આંદોલનના સંદર્ભ માં જ જોઈ હતી કોઈ રાજકીય પક્ષ ના સંદર્ભ માં નહિ.  કદાચ એટલે દેશ ને મજબુત કરવા સંઘ ને કોંગ્રેસ માં વિલીન થઇ જવાનું એમણે આ સુચન કર્યું હતું.  આકાશવાણી લખનૌ પર થી પ્રસારિત સંદેશ માં પણ સરદારે કહ્યું હતું કે દંડા ના જોરે સંઘ ને કચડી નહિ શકાય. દંડો તો ચોર ડાકુ માટે હોય છે સંઘ ના લોકો તો દેશ ભક્ત છે.

સરદાર અને સંઘને સામ સામે ગાંધી હત્યા ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિએ લાવી દીધા હતા.  અને આ પરિસ્થિતિ બહુ લાંબો સમય ટકી નહોતી. ગાંધી હત્યા નો આરોપ કોઈ કાળે ટક્યો નહિ એટલે સંઘ પર નો પ્રતિબંધ સરદાર ની ભલામણ થી બિનશરતી હટાવવો પડ્યો હતો. જોકે ગાંધી હત્યા પછી પ્રતિબંધ લાગ્યો અને  ઉઠાવી લેવાયો એ વચ્ચે નો સમય ઘોર સંઘર્ષ નો સમય હતો. સ્વયંસેવકો અને સરસંઘચાલક ગુરુજીએ  પ્રતિબંધ ને એક અગ્નિ પરીક્ષા તરીકે સ્વીકાર્યો અને એ અગ્નિ પરીક્ષા માં સંઘ સાંગોપાંગ પાર ઉતર્યો. પ્રતિબંધ અને સ્વયંસેવકો ના સત્યાગ્રહ સમયે સરકારી તંત્ર અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ ના રોષ નો ભોગ અનેક જગ્યાએ સ્વયંસેવકો બન્યા હતા, જેલો માં કષ્ટ સહન કરીને પણ ક્યારેય,  ના સરસંઘચાલક ગુરુજી એ સરકાર કે તત્કાલીન કોંગ્રેસ વિરુદ્ધ એક શબ્દ ઉચ્ચાર્યો, કે ના સ્વયંસેવકો એ ક્યાંય રોષ ઉતાર્યો ! આ છે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ .

સંઘ ને સરદાર બન્ને ના વિરોધીઓ કે સમર્થકો બંને વચ્ચે જયારે પણ વૈચારિક સમાનતા કે મતભિન્નતા શોધવાનો પ્રયાસ કરશે ત્યારે જે કંઈ હાથ લાગે,  પરંતુ એક વાત સૌ એ કબુલવી પડશે કે સરદાર અને સંઘ ના વિચારો બે બાબતો પર ચોક્કસ મળતા હતા એક છે ભારત ની અખંડીતતા અને બીજી વાત છે મુસ્લિમ તૃષ્ટિકરણ.